નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2023, બુધવાર : ભારતીય ખાદ્ય નિગમ (FCI)માં કૌભાંડને લઈને સીબીઆઈ (CBI)એ બુધવારે મોટી કાર્યવાહી કરી. CBIએ પંજાબ,હરિયાણા અને દિલ્હીમાં આવેલા 50થી વધુ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા.ન્યૂઝ એજન્સી ANIએ આ વાતની જાણકારી આપી છે. CBIએ FCIના DGM રાજીવ મિશ્રાની ધરપકડ કરી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ FCIના DGM રાજીવ કુમાર મિશ્રાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી છે.જે બાદ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જેમાં CBIએ અત્યાર સુધીમં 60 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા કૌભાંડમાં CBIએ 74 આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.
CBIએ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજ જપ્ત
CBI અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું કે CBIની FCIના ભ્રષ્ટ અધિકારીઓ અને અનાજ મિલના માલિકો પર ઘણાં સમયથી નજર હતી.પૂરી તૈયારી પછી બુધવારે એજન્સીએ તેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી.દરોડા દરમિયાન CBIએ અલગ અલગ ઠેકાણાંથી કેસ સાથે જોડાયેલા દસ્તાવેજ જપ્ત કર્યા છે. FCIમાં એક ઉપ મહાપ્રબંધક રાજીવ મિશ્રાની 50,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડ્યા છે.
74 આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધાયો
અધિકારીઓએ જણાવ્યું કે આ સમગ્ર મામલે 74 આરોપીઓ વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે.તેમણે કહ્યું- FCIમાં ટેકનિકલ સહાયકથી લઈને કાર્યકારી નિર્દેશકો સુધીની ભૂમિકા એજન્સીની તપાસના દાયરામાં છે.પંજાબ અને હરિયાણાના અનેક શહેરોની સાથે દિલ્હીમાં બે સ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.રાજ્ય સરકારના કર્મચારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં છે.

