– નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે અયોધ્યાની મુલાકાત વખતે કહ્યું
રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના સાથી વિધાનસભ્યો અને સંસદસભ્યો સાથે ગઈ કાલે અયોધ્યાની મુલાકાતે ગયા હતા ત્યારે અચાનક નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ અયોધ્યા પહોંચ્યા હતા.તેમણે બપોરના સમયે રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં અને બાદમાં કહ્યું હતું કે ભારતમાં હિન્દુઓની બહુમતી છે એટલે આપણો દેશ પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર છે.તમે કહો કે ન કહો આ હકીકત છે.
દેવેન્દ્ર ફડણવીસે અયોધ્યાની મુલાકાત લીધા બાદ લખનઉમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે વીર સાવરકરની વિચારધારાને સમર્થન કરીએ છીએ.કેટલાક અંશે તમે માનો કે ન માનો અથવા કહો કે ન કહો ભારતમાં હિન્દુઓની બહુમતી છે એટલે એ દૃષ્ટિએ ભારત પહેલેથી હિન્દુ રાષ્ટ્ર છે.
અચાનક અયોધ્યાની મુલાકાત વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હું અહીં ભગવાન રામનાં દર્શન કરવા માટે આવ્યો છું.અમારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આજે અયોધ્યામાં છે એટલે તેમની સાથે જોડાઈને રામલલ્લા ભગવાનની મહાઆરતી કરી છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે અહીં આવવાનો મોકો મળ્યો છે એ અદભુત ક્ષણ છે.બીજું, કારસેવક તરીકે હું અહીં આવ્યો છું અને હવે આ પવિત્ર સ્થળે ભગવાન રામનું મંદિર બની રહ્યું છે.આપણે ભગવાન રામમાંથી આદર્શ જીવનની પ્રેરણા મેળવીએ છીએ.

