મૈસુર : રણવીરસિંહ મંગળવારે વહેલી સવારે કર્ણાટકના પ્રસિદ્ધ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો હતો અને માતાજીના દર્શન કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. રણવીર સિંહની આ મુલાકાત સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવી હતી.એરપોર્ટથી લઈને મંદિરના ગર્ભગૃહ સુધી તેણે ચહેરા પર માસ્ક પહેરેલું રાખ્યું હતું જેથી કોઈ તેને ઓળખી ન શકે.રણવીરે કોઈ પણ પ્રકારના દેખાવ વગર સામાન્ય શ્રદ્ધાળુની જેમ મંદિરમાં પ્રવેશ કરીને પૂજા કરી હતી.
વાસ્તવમાં રણવીર સિંહની આ મંદિર મુલાકાત કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ થઈ હતી.ફિલ્મ ‘કાંતારા’ના પવિત્ર દૈવ દ્રશ્યની મિમિક્રી કરવાના વિવાદમાં તેની સામે ગુનો નોંધાયો હતો.ત્યારબાદ રાહત મેળવવા માટે તેણે કોર્ટમાં અરજી કરી હતી.એપ્રિલ મહિનામાં રણવીર સિંહે કોર્ટમાં સુધારેલી સોગંદનામું રજૂ કરીને બિનશરતી માફી માંગી હતી.ત્યારબાદ ઉચ્ચ ન્યાયાલયે મામલાનો નિકાલ કરતાં તેને ચાર અઠવાડિયામાં ચામુંડેશ્વરી મંદિરે જઈ પૂજા કરવાનો નિર્દેશ આપ્યો હતો.આ સમગ્ર વિવાદ નવેમ્બર ૨૦૨૫માં ગોવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન શરૂ થયો હતો.સમાપન સમારોહમાં રણવીર સિંહે મંચ પર ફિલ્મ ‘કાંતારા’ના પવિત્ર દૈવ દ્રશ્યની નકલ કરી હતી.તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં કન્નડ સમુદાયમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
લોકોએ આરોપ લગાવ્યો હતો કે રણવીરે ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિની મજાક ઉડાવી છે.વિવાદ વધતા રણવીરે જાહેરમાં માફી માંગતાં કહ્યું હતું કે તેનો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો અને તે માત્ર રિષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરી રહ્યો હતો.બીજી તરફ રિષભ શેટ્ટીએ પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે દૈવ પરંપરા અત્યંત પવિત્ર છે અને તેની મંચ પર નકલ કરવી યોગ્ય નથી.
રણવીર સિંહ હાલમાં અન્ય એક વિવાદને કારણે પણ ચર્ચામાં છે.ફિલ્મ ‘ડોન ૩’માંથી અચાનક અલગ થવાને કારણે નિર્માતા ફરહાન અખ્તરને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ મામલે ફિલ્મ કર્મચારીઓની સંસ્થા દ્વારા પણ રણવીર સિંહ સામે અસહકાર વલણ જાહેર કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.જોકે, રણવીરના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે અભિનેતા હાલમાં માત્ર પોતાના કામ અને આગામી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને કોઈ પણ વિવાદ પર જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યો છે.


