રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ક્રશર પ્લાન્ટને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હિંસક બનતાં બયાનાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અતર સિંહ ભડાનાનું મોત નીપજ્યું છે.ભોંડા ગામમાં આવેલા ક્રશર પ્લાન્ટ પર રવિવારે સાંજે લાઠી-દંડા અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભડાનાનું જયપુરની સવાઈ માનસિંહ (એસએમએસ) હોસ્પિટલમાં રાત્રે આશરે 11:30 વાગ્યે સારવાર દરમિયાન અવસાન થયું હતું.ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ ફેલાતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ક્રશર પ્લાન્ટ પર કેવી રીતે ભડકી હિંસા
પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે સાંજે આશરે 6:30 વાગ્યે અતર સિંહ ભડાના ભોંડા ગામમાં આવેલા પોતાના ક્રશર પ્લાન્ટ પર હાજર હતા.લગભગ એક વર્ષથી બંધ પડેલા આ પ્લાન્ટને ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.આ દરમિયાન ગ્રામજનો અને ભડાના પક્ષ વચ્ચે જૂના વિવાદને લઈને બોલાચાલી થઈ હતી જે બાદમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.આક્ષેપ છે કે 70થી 80 લોકોના ટોળાએ પ્લાન્ટ પર પહોંચીને લાઠીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં ભડાના ઉપરાંત તેમના સાથી ગગન શર્મા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.બંનેને વેરની ઉપજિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર બાદ ભડાનાને જયપુર અને ગગન શર્માને ભરતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે, ભડાનાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ચાર વર્ષ જૂનો વિવાદ બન્યો હિંસાનું કારણ
પોલીસના જણાવ્યા અનુસાર, ક્રશર પ્લાન્ટને લઈને બંને પક્ષો વચ્ચે છેલ્લા ચાર વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો.ગ્રામજનોનો આક્ષેપ હતો કે પશુઓના ચરિયાણ માટેની જમીન પર કબજો,કથિત ગેરકાયદે ખનન અને રસ્તાના ઉપયોગ જેવા મુદ્દાઓને લઈને તેમની સાથે અન્યાય થઈ રહ્યો હતો.આ મુદ્દે ગ્રામજનો છેલ્લા બે વર્ષથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાનું પણ જણાવાયું છે.છેલ્લા એક વર્ષથી બંધ પડેલા ક્રશર પ્લાન્ટને ફરી શરૂ કરવાના પ્રયાસો વચ્ચે જૂનો વિવાદ ફરી ઉગ્ર બન્યો હતો.રવિવારે બંને પક્ષો સામસામે આવી જતાં પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.
પૂર્વ ધારાસભ્યનાં પત્નીએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ
અતર સિંહ ભડાનાનાં પત્ની કમલેશે પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.તેમના જણાવ્યા મુજબ, ક્રશરની લીઝના વીજ જોડાણમાં અવરોધ ઊભો કરવો,પાણીના પંપને નુકસાન પહોંચાડવું અને કર્મચારીઓને ત્યાંથી ભગાડવા જેવી ઘટનાઓ અંગે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી,પરંતુ યોગ્ય કાર્યવાહી થઈ નહોતી.તેમણે હુમલા દરમિયાન ભડાનાને ગોળી વાગી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.બીજી તરફ, પ્રાથમિક તબીબી તપાસમાં ગોળી વાગ્યાની વાતને સમર્થન મળ્યું ન હોવાનું જણાવાયું છે.પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.
ગ્રામજનોનો દાવો : ધરણા સ્થળેથી હટાવતાં અથડામણ
આ ઘટનામાં ગ્રામજનો અને ભડાના પક્ષના દાવા અલગ-અલગ છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 10થી 15 દિવસથી શાંતિપૂર્ણ રીતે ધરણાં પર બેઠા હતા.રવિવારે સાંજે ભડાના પક્ષના 40થી 50 લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેમને ધરણા સ્થળેથી હટાવ્યા હતા.આ બાબતને લઈને વિવાદ વધ્યો અને બંને પક્ષો વચ્ચે લાઠી-પથ્થરમારો થયો હતો.બીજી તરફ ભડાના પક્ષે હુમલાનો સામનો કરવો પડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.પોલીસ હવે બંને પક્ષોનાં નિવેદનો અને ઘટનાક્રમના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.
ફાયરિંગ થયું હતું કે નહીં, પોલીસ તપાસ ચાલુ
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના અંગે અગાઉ કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.અથડામણ સમયે ક્રશર પ્લાન્ટ પર 20થી 25 કર્મચારીઓ હાજર હોવાનું પણ જાણવા મળ્યું છે.ભડાનાનાં પત્ની દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના આક્ષેપ સહિત હુમલાની શરૂઆત કેવી રીતે થઈ અને તેમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.ભાજપના પૂર્વ ધારાસભ્યના મોતને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.લાંબા સમયથી ચાલી રહેલો જમીન અને ક્રશર પ્લાન્ટનો વિવાદ હવે જીવલેણ હિંસામાં ફેરવાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.


