મુંબઈ : સામાન્યપણે મૂકબધિરોના કિસ્સામાં આપણે એવું જોતાં હોઈએ છીએ કે તેઓ ક્યારેય બોલી કે કશું સાંભળી શકતાં નથી.પરંતુ તેમની સર્જરી કરવામાં આવે અને બાદમાં વર્ષો પછી પહેલીવાર કોઈ અવાજ સાંભળવા મળે તો કેવી અનુભૂતિ થાય તેનો અનુભલ તાજેતરમાં અમરાવતીની એક પાંચ વર્ષીય બાળકીએ લીધો.જ્યારે તેણે પહેલીવાર વરસાદ અને વીજળીના કડકડાટનો અવાજ સાંભળ્યો.જીવનમાં ક્યારેય કોઈ અવાજ ન સાંભળેલી આ બાળકી માટે કૉલિએર ઈમ્પ્લાન્ટ બાદ આ અવાજો સાંભળવા શક્ય બન્યા છે.
પ્રાપ્ત માહિતીનુસાર,તે એકપણ શબ્દ બોલી શકતી નથી કારણ તેણે ક્યારેય કોઈ શબ્દ બોલાતાં સાંભળ્યો જ નથી.પરંતુ અમરાવતીની એક હૉસ્પિટલ દ્વારા તેના કાનમાં બે અઠવાડિયા પહેલાં જ કૉલિએર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી.જેને કારણે તેણે પહેલીવાર કોઈનો બોલાતો કે પ્રકૃતિનો પડઘાતો અવાજ સાંભળ્યો.આ સાથે જ માત્ર તેની નહિ તો તેના માતા-પિતાની આંખો પણ અશ્રુથી ઉભરાઈ ગઈ હતી. જોકે આવા બાળકોને બાદમાં બે વર્ષ સુધી ઑડિટરી વર્બલ થેરાપી(એવીટી)આપવામાં આવે છે,જેને કારણે આ બાળકો બે વર્ષ પછી સામાન્ય બાળકોની જેમ જ બોલવા માંડે છે.
ખાસ ઉલ્લેખનીય એ કે આ સર્જરી પાંચ વર્ષ સુધીના બાળકો માટે ઉત્તમ ગણવામાં આવે છે.દરેક મૂકબધિર વ્યક્તિને માટે આ ઈમ્પ્લાન્ટનો ખર્ચ શક્ય હોતો નથી.કારણ તે પાછળ સાતેક લાખ રુપિયા જેટલાંનો ખર્ચ આવે છે.જેમાં બાળકની શ્રવણ શક્તિ ક્યાં અટકાઈ છે,તેની શોધ કરી બાદમાં આગળની પ્રક્રિયા કરવામાં આવે છે.પરંતુ એકવાર આ પ્રક્રિયા સફળ થયા બાદ મૂકબધિર બાળકોને પણ સામાન્ય જીવન જીવવાનો આનંદ મળે છે.


