। નવી દિલ્હી ।
કોરોના મહામારીને માત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન આપ્યું છે. જેને લઇને વેપાર-ઉદ્યોગ ઠપ થઇ ગયા છે. જો કે, આ લોકડાઉનની અસર બેન્ક મર્જર પ્રક્રિયા પર જોવાશે નહિ. ૧ એપ્રિલથી બેન્કનું મર્જર લાગુ પડી જશે.
લોકડાઉનથી પ્રભાવિત ખેડૂત, ગરીબ, કારીગરો, મહિલાઓ, સિનિયર સિટિઝન્સ, વિધવા, દિવ્યાંગ સહિતના પ્રભાવિત વેતનભોગીઓ માટે નાણામંત્રી દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાણા સેવાસચિવ દેબાશિષ પાંડાએ વિગત આપી હતી કે, બેન્કોની મર્જર પ્રક્રિયા અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ યથાવત છે અને નક્કી થયેલી તારીખથી અમલી બનશે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા બેન્કોના મર્જર અંગે જાહેરાત કરવામાં આવી હતી. તેને પગલે આગળની કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી કરાશે.
કઈ-કઈ બેન્કનું મર્જર?
બેન્ક મર્જર પ્રક્રિયા હેઠળ ૧૦ સરકારી બેન્કોનું મર્જર કરી ચાર બેન્ક બનાવવામા આવી રહી છે. પંજાબ નેશનલ બેન્કમાં ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ તથા યુનાઇટેડ બેન્ક મર્જ થશે. કેનેરા અને સિન્ડિકેટ બેન્ક મર્જ થઇ એક બનશે. યુનિયન બેન્ક, આંધ્ર બેન્ક તથા કોર્પોરેશન બેન્કનું મર્જર થવા જઇ રહ્યું છે. આ મર્જર બાદ રાષ્ટ્રિયકૃત બેન્કોની કુલ સંખ્યા ૨૭થી ઘટીને ૧૨ થઇ જશે