ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ઝારખંડ, ઓડિશા, હરિયાણા અને દિલ્હીમાં સ્કૂલોને પંદર દિવસ સુધી તાળાં
એજન્સી, નવી દિલ્હી
ચીનથી આવેલા કોરોના વાયરસની બીમારીને પગલે ભારતમાં બે મોતની પુષ્ટિ અને 83 ચેપગ્રસ્તોની જાહેરાત પછી દેશની વિવિધ સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને અનેક રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે. શુક્રવારે દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું મોત થયું હતું. એની સાથે જ દેશમાં આ ઘાતક વાયરસથી કુલ બે લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા, પંજાબ, દિલ્હી, હરિયાણા, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સ્કૂલો, કોલેજો, થિયેટરો, મલ્ટીપ્લેક્સીસ સહિતનાં જાહેર સ્થળો પર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આર્મીએ આ મહિનાના અંત સુધીમાં સમગ્ર દેશમાં યોજાનારા તેના તમામ ભરતી મેળા પર પ્રતિબંધ મૂકી દીધો છે. દર વર્ષે ખેલાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની ક્રિકેટની રમતને પણ એપ્રિલના અંત સુધી મોકૂફ રાખવામાં આવી છે. એર ઈન્ડિયાએ ઈટાલી, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઈઝરાયેલ, સાઉથ કોરિયા અને શ્રીલંકા જતી તેની ફ્લાઈટ્સ 30મી એપ્રિલ સુધી બંધ કરી દીધી છે. ગુરુવારે એર ઈન્ડિયાએ કુવૈતની તેની તમામ ફ્લાઈટ કેન્સલ કરી દીધી હતી. કેન્દ્રી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 81 પર પહોંચી છે જ્યારે એકનું મોત થયું છે કર્ણાટકના કલબુર્ગીમાં બુધવારે સાઉદી અરેબિયાથી આવેલા 76 વર્ષના એક વૃદ્ધનું મોત થયું હતું.
અત્યાર સુધીમાં દેશનાં કુલ 11 રાજ્યોમાં કોરોનાના ચેપગ્રસ્તો નોંધાયા છે. દરમિયાન, શુક્રવારે ઈરાનમાંથી કેટલાક ભારતીયોને સ્પેશિયલ ફ્લાઈટમાં સ્વદેશ લવાયા હતા. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક રોકવા માટે 19 બોર્ડર ચેકપોઈન્ટ પર ટ્રાફિક નિયંત્રણ કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોડતી ટ્રેન અને બસોને પણ 15મી એપ્રિલ સુધી બંધ કરી દેવાનો આદેશ થયો છે. દિલ્હી અને હરિયાણા પછી ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવ્યો છે. અહીંની તમામ શાળા-કોલેજોને 22 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દરમિયાન પરીક્ષાઓ ચાલુ રહેશે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતુંકે, રાજ્યમાં કોરોના વાયરસના 11 પોઝિટિવ કેસો બન્યા છે. સીએમ યોગીએ જણાવ્યું કે કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્યસ્તરે 4100 તબીબોની વિશાળ ટીમ તૈયાર કરવામાં આવી છે અને રાજ્યની 24 મેડિકલ કોલેજોમાં કુલ 448 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.આ પહેલા દિલ્હી સરકારે કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અહીંની શાળા-કોલેજો તથા સિનેમાઘરોને 31 માર્ચ સુખી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ સિવાય હરિયાણા સરકારે પણ ગુરુવારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી હતી. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસના છ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

