અમદાવાદ : નવ વર્ષની માનસિક દિવ્યાંગ બાળકી ત્રણ મહિનાથી ગુમ થઇ હોવા છતાંય પોલીસ તંત્રને તેની કોઇ ભાળ નહીં મળતાં હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી છે.જે કેસની સુનાવણીમાં જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી અને જસ્ટિસ મૌના એમ.ભટ્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,‘બાળક માત્ર નવ વર્ષની છે અને ત્રણ મહિનાથી ગુમ છે, ત્યારે એવી શક્યતા પણ છે કે તે ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ધકેલાઈ હોઇ શકે.એના માતા-પિતા માટે તો આ પરિસ્થિતિ અત્યંત કપરી છે.અમે પોલીસ તંત્રના પ્રયત્નો ઉપર જરા શંકા કરતાં નથી પરંતુ જો આગામી સુનાવણી સુધી કોઈ પરિણામ ન મળે તો કોર્ટ આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપશે.’ હાઇકોર્ટે આ કેસની સુનાવણી ચોથી મેના રોજ રાખી છે અને કોર્ટ સમક્ષ ઉપસ્થિત ભરૂચ એસ.પી. ડો. લીના પાટિલને CIDની મદદ લઇ બાળકીને શોધવાનો આદેશ કર્યો છે.
આ કેસની સુનાવણીમાં ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,‘નવ વર્ષની દીકરી ત્રણ મહિનાથી ગુમ હોય એ ચિેંતાની બાબત છે.અમે એક પણ મીનીટ માટે એવું નથી વિચારતાં કે પોલીસ પ્રયત્નો કરતી નથી પરંતુ તમારા પ્રયત્નોનું કોઇ પરિણામ સામે આવ્યું નથી.નવ વર્ષની દીકરી ક્યાંક એકલી જતી રહી હોય એવી શક્યતા ખૂબ ઓછી છે.અમે અન્ય એજન્સીને તપાસ સોંપવાનું વિચારી રહ્યા છીએ.અમને દીકરીની સલામતીની સૌથી વધુ ચિંતા છે.પોલીસને ક્યાંક દૂર દૂર સુધી કંઇ નજર આવતું હોય તો પણ સમજી શકાય પરંતુ એવું પણ નથી.’
કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે,‘આટલા દિવસથી બાળકી ન મળતી હોય તો એવી પૂરેપૂરી શક્યતા છે કે તે હ્યુમન ટ્રાફિંકિંગમાં ધકેલાઈ હોય. કોઈ નજીકના કે પછી દૂરના કોઈ ઓળખીતા પણ જવાબદાર હોઇ શકે. તેને ટ્રેનમાં, બસમાં કે ટ્રકમાં પણ લઇ ગયા હોય.સુપ્રીમ કોર્ટ બચપન બચાઓ કેસમાં બાળકોના સંરક્ષણ ઉપર ભાર આપી રહી છે.’કોર્ટે એક અન્ય કેસનો દાખલો આપતાં કહ્યું હતું કે,‘ મહિપતરામ આશ્રમમાં એક બાળકીનો કેસ હતો જેને કોઇ પર્વતીય પ્રદેશ પર લઇ ગયા હતા.જ્યારે તેને ઉપાડીને લઇ ગયા હતા. હિન્દી કે અન્ય કોઇ ભાષા પણ બોલી શકતી નથી.જ્યારે તેને એક ગેંગ જોડેથી પરત લાવવામાં આવી ત્યારે તેના શરીર પર એટલા ડામ હતા અને એવી પરિસ્થિતિ એટલી દયનીય હતી કે કોઇ જોઇ શકતું નથી.આ કારણોથી પણ અમને વધુ ચિંતા થઇ રહી છે.’ ભરૂચના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડો. લીના પાટિલે કોર્ટને જણાવ્યું હતું કે,‘બાળકી જે સ્થળેથી ગુમ હતી અમે ત્યાંની મુલાકાત લીધી હતી.ત્યાં નજીકના બાળકો, ઘર વગેરે જોડે વાત કરી હતી.રોડ, હાઇવે કે રેલવે સ્ટેશનથી તેને લઇ ગયા હોય એવી શક્યતા ચકાસી રહ્યા છીએ.


