ગાંધીનગર : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ચૂંટણીના છ મહિના પહેલાં જ પાણીમાં બેસી ગયા છે.એક સમયે પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઇએ અને સરપંચથી સાંસદ પદ સુધી પાટીદાર હોવા જોઇએ તેમ કહેનારા આ પાટીદાર નેતાએ જાતે જ રાજકારણમાં નહીં આવવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇ ગયો છે અને હવે નરેશ પટેલે હાલ પૂરતા રાજકારણમાં નહીં આવે તેવી જાહેરાત કરતા તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે છે.
છેલ્લા કેટલાક મહિનાથી નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેની ભારે ચર્ચા ચાલતી હતી તેના બદલે કોઇપણ પક્ષમાં નહીં જોડાય તેવી જાહેરાત તેમણે કરતા આશ્વર્ય ફેલાયું છે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય અને પોતાને કોંગ્રેસના મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કરાય તેવી રાજકીય વ્યૂહકાર પ્રશાંત કિશોરની રણનીતિ હતી.જો કે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને જ પ્રશાંત કિશોરની આ રણનીતિ ગળે ઉતરી ન હતી.ઉલટાનું તેમણે દિલ્હી મુલાકાતમાં નરેશ પટેલને ગળે એવું ઉતારવા પ્રયાસ કર્યો હતો કે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ બન્ને તમારો ઉપયોગ કરી જશે તેના કરતા આમ આદમી પાર્ટીમાં જોડાવવું વધુ સારું છે.જો કે આ મોટા સંઘર્ષનો માર્ગ નરેશ પટેલને પસંદ પડ્યો ન હતો.પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં ગયા બાદ તેને નગણ્ય મહત્વ અપાઇ રહ્યું છે તે દેખીતી વાત છે.ભાજપમાં ગયા પછી અનેક પટેલ નેતાઓની વચ્ચે પોતાનું મહત્વ કેટલા સમય સુધી રહેશે તેવી ભીતિ પણ ભાજપમાં નહીં જોડાવા પાછળની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
હાર્દિક અને નરેશ પટેલ બન્ને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હોત તો ભાજપ માટે મોટો પડકાર ઊભો થાત અને પાટીદાર મત બેન્ક પણ વહેંચાઇ જવાના સંજોગો સર્જાત પરંતુ આ જાહેરાતથી ભાજપને પણ સીધો ફાયદો થઇ શકે છે.જો કે આશ્વર્યની વાત એ છે કે પોતે રાજકારણમાં નહીં જોડાય પરંતુ તેમની સામાજિક સંસ્થામાં યુવાનોને રાજકારણમાં જોડાવાની તાલીમ અપાશે તેવી વિરોધાભાસી વાત પણ નરેશ પટેલે કરી છે.તે સાથે સર્વેમાં ૫૦ ટકા મહિલા અને ૮૦ ટકા યુવાનોએ ઇચ્છે છે કે તેમણે રાજકારણમાં જવું જોઇએ તેવો સર્વે આવ્યો હોવાનું કહે છે.આટલી જંગી બહુમતી રાજકારણમાં જોડાવા સંમતિ આપતી હોય તો જોડાવવું જોઇએ તેમ છતાં કેમ જોડાવા માગતા નથી તેનો સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નથી.પાટીદાર વર્તુળોમાં ચાલતી વાત મુજબ નરેશ પટેલ સીધા રાજકારણમાં પ્રવેશ કરે તે સાથે અનેક પાટીદાર અગ્રણીઓ અને સંસ્થાઓ પણ અંદરખાને નારાજ હતી.


