ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.શુક્રવારે નવી દિલ્હીથી આવી વડાપ્રધાન રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.આમ તો વડાપ્રધાન વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ચ મહિનાથી રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે,પરંતુ જૂનમાં વડાપ્રધાનની દસ દિવસમાં જ બીજી ગુજરાત મુલાકાતનું એક અલગ મહત્ત્વ છે.૧૮ જૂનના દિવસે માતા હીરાબાનો ૧૦૦મો જન્મદિન છે.આથી પીએમ મોદી શનિવારે અન્ય કાર્યક્રમો માટે રવાના થતાં પહેલાં વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લઇ શતાયુ પ્રવેશની શુભેચ્છાઓ પાઠવશે.તેઓ માતાના હાથની બનેલી લાપસીનો આસ્વાદ માણી પાવાગઢ જવા રવાના થશે અને ત્યાંથી વડોદરા પહોંચી ૨૧૦૦૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ,ખાતમુહૂર્ત કરવા સાથે આદિવાસી વિસ્તાર તથા રાજ્યની સગર્ભા માતાઓના આરોગ્ય માટે મહત્વની એવી બે યોજનાઓનો શુભારંભ કરાવશે.
વડાપ્રધાન મોદી શુક્રવારે મોડી સાંજે નવી દિલ્હીથી વિશેષ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો સ્વાગત કરશે.તેઓ એરપોર્ટથી સીધા રાજભવન પહોંચશે.શનિવારે સવારે રાયસણ ખાતે પોતાના ભાઇ પંકજ મોદી સાથે રહેતા હીરાબાને મળવા પહોંચશે.૧૮મીએ માતા હીરાબાનો ૧૦૦મો જન્મદિન છે.માતા સાથે અડધા કલાકથી વધુ સમય પસાર કરી પીએમ સચિવાલયના હેલિપેડથી સીધા પાવાગઢ જવા રવાના થશે.શનિવારે સવારે ૯.૧૫ વાગે પાવાગઢની ટોચ ઉપર મહાકાળી માતાજીના દર્શન કરી પૂજન અર્ચન કરશે.સવારે ૧૧.૩૦ વાગે વિરાસત વનની મુલાકાત લેશે.ત્યાંથી તેઓ ૧૨.૩૦ વાગે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે‘ગુજરાત ગૌરવ’કાર્યક્રમમાં હાજર રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાનના હસ્તે મહત્વાકાંક્ષી‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ તેમજ ‘પોષણસુધા યોજના’નો શુભારંભ થશે.વડાપ્રધાન રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.અહીં જંગી મેદનીને વડાપ્રધાન સંબોધન કરશે.


