સુરત : કેવાયસી અપડેટના નામે લીંક મોકલી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેતી ટોળકીને ક્રેડિટ કાર્ડ ભાડે આપી કમિશન મેળવતા સુરતના ચાર સૌરાષ્ટ્રવાસીઓની હૈદરાબાદ પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર પાસેથી 500 થી વધુ ક્રેડિટ કાર્ડ કબજે કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હૈદરાબાદમાં નોંધાયેલા રૂ.8 લાખની ઓનલાઇન છેતરપિંડીના ગુનામાં ભેજાબાજો કેવાયસી અપડેટના નામે લીંક મોકલી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવાનો ખુલાસો તેમની તપાસમાં થયો હતો.તે માટે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરાતો હતો તે પણ ત્રાહિત વ્યક્તિનો હોવાનો તેમજ તે ભાડે આપી ખેલ કરાતો હોવાનો ખુલાસો થયો હતો.હૈદરાબાદ પોલીસે વધુ તપાસ કરતા તે કાર્ડ સુરત અને તેની આજુબાજુના તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના હોવાનું જાણવા મળતા હૈદરાબાદ પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માંગી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમે હૈદરાબાદ પોલીસની સાથે રહી સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અલગ અલગ જગ્યાઓ પરથી મૂળ સૌરાષ્ટ્રના ચાર વ્યકિતને ઝડપી પાડી હૈદરાબાદ પોલીસને સોંપ્યા હતા.
તે પૈકી મુખ્ય સૂત્રધાર રવિ બોરડા પાસેથી પોલીસને 500 થી વધુ ક્રેડિટ કાર્ડ મળ્યા હતા.કેવાયસીના નામે લીંક મોકલી તે લીંક ક્લીક કરતા જ ભોગ બનાનનારનું એકાઉન્ટ ક્રેડિટ કાર્ડ સાથે જોડાઈ જતું અને એકાઉન્ટમાંથી પૈસા કાર્ડમાં ટ્રાન્સફર થઈ જતા.તે માટે ક્રેડિટ કાર્ડ ભાડે આપનારને ભેજાબાજો પાંચ ટકા કમિશન આપતા હતા અને સુરતમાં રવિ આવા ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા કરી આપતો હતો.તેની સાથે ઝડપાયેલા અન્યોએ પણ કાર્ડ ભાડે આપ્યા હતા.

