સુરત, ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ : રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગે માવા અને મીઠાઈના વેપારીઓ સામે તપાસ હાથ ધરી છે.તપાસ દરમિયાન લેવાયેલા માવાના ૧૬ નમૂનામાંથી બે નમૂના નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પ્રમાણે ન હોવાનું સામે આવ્યું છે.બંને નમૂનામાં દૂધની ચરબીનું પ્રમાણ જરૂરી માપદંડ કરતાં ઓછું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.પાલિકાના જણાવ્યા મુજબ, ૨૪ ઓગસ્ટે લેવાયેલા નમૂનાઓમાંથી કોટ સફીલ રોડ સ્થિત નંદકિશોર એસ. માવાવાલા અને ખટોદરા સ્થિત જય માં વૈષ્ણવી સ્વીટના દૂધના માવાના નમૂના ગુણવત્તાના ધોરણો પ્રમાણે ન હોવાનું બહાર આવ્યું છે.દૂધના માવામાં દૂધની ચરબીનું પ્રમાણ ૩૦ ટકા હોવું જરૂરી છે, જ્યારે બંને નમૂનામાં આ પ્રમાણ નિર્ધારિત સ્તર કરતાં આશરે ૬થી ૮ ટકા ઓછું નોંધાયું હતું.નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પ્રમાણે ન હોવાનું બહાર આવ્યા બાદ સંબંધિત સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.બંને કેસમાં અધિકૃત અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.તહેવાર દરમિયાન માવા અને મીઠાઈની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પાલિકાના ખાદ્ય વિભાગે શહેરની ૧૨ સંસ્થાઓમાં તપાસ કરી હતી.આ દરમિયાન માવા અને મીઠાઈના વધુ ૨૩ નમૂના પૃથક્કરણ માટે લેવામાં આવ્યા છે.આ નમૂનાઓના અહેવાલ મળ્યા બાદ ખાદ્ય સુરક્ષા સંબંધિત કાયદા અને નિયમો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.પાલિકાની કાર્યવાહી માત્ર નમૂના લેવા પૂરતી મર્યાદિત રહી નહોતી.તપાસ દરમિયાન અયોગ્ય ખાદ્યપદાર્થનો કુલ ૪૧૯.૭૮ કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો,જેની અંદાજિત કિંમત રૂ. ૭૭,૬૪૦ હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત આશરે ૧૭૦ કિલો શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.૪૦,૮૦૦ છે.તહેવારો દરમિયાન માવા અને મીઠાઈની માંગ વધતી હોવાથી પાલિકાની આ કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે.નવા લેવાયેલા ૨૩ નમૂનાઓના પૃથક્કરણ અહેવાલમાં શું બહાર આવે છે તેના પર હવે વેપારીઓ અને ગ્રાહકોની નજર રહેશે.


