નેપાળમાં આવેલા વિનાશક અચાનક પૂરના પગલે ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશના સીમાવર્તી વિસ્તારોમાં પણ પૂરનું જોખમ વધ્યું છે.નેપાળમાંથી આવતી નદીઓના જળપ્રવાહમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં વહીવટીતંત્રને સાવચેત કરવામાં આવ્યું છે.કેન્દ્ર સરકાર પણ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. સંભવિત અસરવાળા સીમાવર્તી વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્ર ઉપરાંત રાહત-બચાવ ટીમો અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને સાવચેત સ્થિતિમાં રાખવામાં આવ્યા છે.
ગંડક નદીના જળપ્રવાહ પર સતત નજર
નેપાળમાં ભારે વરસાદ અને અચાનક પૂરની સ્થિતિને કારણે ગંડક નદીના જળપ્રવાહમાં વધારો થવાની શક્યતા છે.બિહારમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ,સારણ,મુઝફ્ફરપુર અને વૈશાલી સહિતના વિસ્તારોમાં તકેદારી વધારવામાં આવી છે.સીતામઢી અને શિવહર સહિતના જિલ્લાઓના વહીવટીતંત્રને પણ સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
પશ્ચિમ ચંપારણના બગહા અને વૈશાલી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા અને જરૂર પડે તો સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.ગોપાલગંજ અને બેતિયામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો તૈનાત કરવામાં આવી છે જ્યારે મુઝફ્ફરપુરમાં વધારાની ટીમને તૈયાર રાખવામાં આવી છે.
ગંડક બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા
નેપાળમાંથી આવેલા વધારાના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા બિહારના ગંડક બેરેજના તમામ ૩૬ દરવાજા ખોલવામાં આવ્યા હતા.અહેવાલ મુજબ ૨૬ ઓગસ્ટની રાત્રે બેરેજમાંથી આશરે ૧.૫ લાખ ઘનફૂટ પ્રતિ સેકન્ડ પાણી છોડવામાં આવ્યું હતું.પાણીના પ્રવાહમાં આગળ ઘટાડો થવાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશમાં પણ તકેદારી
ગંડક નદી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી મહારાજગંજ,કુશીનગર સહિતના સીમાવર્તી વિસ્તારોમાં જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું ન થાય તે માટે સ્થાનિક તંત્રને તૈયાર રાખવામાં આવ્યું છે.જોકે, ઉપલબ્ધ અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશમાં ગંડક નદીનું જળસ્તર તાત્કાલિક રીતે મોટા જોખમની સપાટીએ પહોંચવાની શક્યતા ઓછી હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે.
નેપાળમાં બચાવ કામગીરી ચાલુ
નેપાળમાં ૨૬ ઓગસ્ટે આવેલા વિનાશક અચાનક પૂરે ભારે તબાહી સર્જી છે.પ્રાથમિક અહેવાલો અનુસાર હિમનદીના ધરાશય અને તેના કારણે સર્જાયેલા પૂર તથા કાદવના પ્રવાહે અનેક વિસ્તારોને અસર કરી છે.મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ લાપતા છે.ભારતીય નાગરિકો સહિત વિદેશી નાગરિકો પણ અસરગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે.બચાવ અને રાહત કામગીરી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ચાલુ છે.
ભારત સરકારે નેપાળમાં સર્જાયેલી આ આપત્તિ અંગે સહાયનો હાથ લંબાવ્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.બિહાર અને ઉત્તરપ્રદેશમાં લેવામાં આવેલી તકેદારીનો મુખ્ય હેતુ નેપાળમાંથી આવતા વધારાના પાણીના સંભવિત પ્રવાહ સામે અગાઉથી રાહત અને બચાવ વ્યવસ્થા તૈયાર રાખવાનો છે.


