નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2022, સોમવાર : ED(Enforcement Directorate)એ એમવે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ પર મની લોન્ડ્રિંગના એક કેસમાં મોટી કાર્યવાહી કરી છે.મળતી માહિતી પ્રમાણે EDએ સોમવારે કંપનીની 757.77 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે.કંપની પર નલ્ટી લેવલ માર્કેટિંગ સ્કેમ ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.EDએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એમવે (Amway India)ની જમીન તથા ફેક્ટરી બિલ્ડિંગ અને પ્લાન્ટ તથા ગાડીઓ બેંક એકાઉન્ટસ અને ફિક્સ ડિપોઝિટ સામેલ છે.EDએ આ અગાઉ એમવેના 36 અલગ અલગ એકાઉન્ટમાંથી 411.83 કરોડ રૂપિયાની અચલ અને ચલ સંપત્તિ તથા 345.94 કરોડ રૂપિયાના બેંક બેલેન્સને જપ્ત કર્યું હતું.તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી મની લોન્ડ્રિંગ (Money Laundering Case) તપાસમાં જાણવા મળ્યું છે કે, એમવે ડાયરેક્ટર સેલિંગ-મલ્ટી લેવલ માર્કેટિંગ લેવલની આડમાં પિરામિડ ફ્રોડ ચલાવી રહ્યા છે.એજન્સીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન તે સામે આવ્યું છે કે, કંપની દ્વારા ઓફર કરવામાં આવી રહેલી પ્રોડક્ટની કિંમત ખુલ્લા બજારમાં હાજર પ્રતિષ્ઠિત ઉત્પાદકોના લોકપ્રિય ઉત્પાદનોની તુલનામાં ઘણી વધારે છે.

