નવી દિલ્હી,તા. 21 માર્ચ 2023, મંગળવાર : વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદન પર રાજકારણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું.બીજેપી સતત રાહુલ ગાંધી અને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને માફીની માગ કરી રહી છે.તાજેતરનો હુમલો ભાજપના નેતા સંબિત પાત્રાએ કર્યો છે.સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને ભારતીય રાજકારણના મીર જાફર ગણાવ્યા છે.
રાહુલ ગાંધીએ માફી માગવી પડશે
સંબિત પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સંસદમાં માફી માગવી પડશે.તે હંમેશા દેશને બદનામ કરે છે.તેઓ આજે ભારતીય રાજકારણના મીર જાફર છે.તે દેશનું અપમાન કરે છે અને વિદેશી શક્તિઓને ભારતની બાબતોમાં હસ્તક્ષેપ કરવાની માગ કરે છે! આ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું ષડયંત્ર છે.રાહુલ ગાંધી સંસદની કાર્યવાહીમાં ઓછો ભાગ લે છે પરંતુ એમ પણ કહે છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી.
અમે માફી મગાવીને જ રહીશું
બીજેપી નેતાએ કહ્યું કે, એવું નથી કે રાહુલ ગાંધી માફી માગ્યા વિના નીકળી જશે… તેમણે માફી માગવી પડશે,અમે માફી મગાવીને જ રહીશું.તેમણે રાફેલ કેસમાં પણ માફી માગવી પડી હતી અને સંસદના ફ્લોર પર પણ માફી માગવી પડશે.રાહુલ ગાંધીએ વિદેશી દળોને ભારતમાં આવીને લોકશાહી બચાવવા આમંત્રણ આપ્યું છે.મણિશંકર ઐયર અને રાહુલ ગાંધી એક જેવું કામ કરી રહ્યા છે,બંને દેશને બદનામ કરી રહ્યા છે.પાત્રાએ ટોણો માર્યો કે આખરે તો રાજકુમાર નવાબ બનવા માગે છે.
રાહુલ ગાંધી ભારતીય બંધારણની સમાનતા પાકિસ્તાનની ISI સાથે કરી રહ્યા છે.રાહુલ ગાંધી કહે છે કે, દેશમાં મીડિયા, ન્યાયતંત્ર લાચાર છે.આ પહેલા સોમવારે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતા નિવેદન જારી કર્યું હતું અને વિદેશમાં આપેલા નિવેદન બદલ માફી માગવાની માગ કરી હતી.ઉલ્લેખનીય છે કે, મીર જાફરે નવાબ બનવા અને પોતાના ઉદ્દેશ્યો પૂરા કરવા માટે ઇસ્ટ કંપનીની મદદ લીધી હતી.

