નવી દિલ્હી, તા.12 એપ્રિલ 2020, રવિવાર
કોરોના વાયરસના કહેર વચ્ચે દુનિયાની ઈકોનોમીની હાલત ખરાબ છે. વિશ્વ બેન્કે કહ્યુ છે કે, ભારતના અર્થતંત્રને કોરોના વાયરસની મહામારીથી બહુ મોટો ફટકો વાગ્યો છે. જેનાથી દેશના ગ્રોથ રેટમાં બહુ મોટો ઘટાડો થશે.
વિશ્વ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, 2019-20માં ભારતનો ગ્રોથ રેટ પાંચેક ટકા રહેશે. જ્યારે 2020-21માં તેમાં ભારે ઘટાડો આવશે અને ગ્રોથ રેટ ઘટીને 2.8 ટકા જ રહી જશે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, આ ઝાટકો એવા સમયે વાગ્યો છે જ્યારે ભારતની ઈકોનોમી પહેલેથી જ સુસ્ત પડી હતી. તેમાં પણ હવે લોકડાઉન લાગુ કરાયુ છે. જેનાથી સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે.
માત્ર ભારત જ નહી પણ વૈશ્વિસ સ્તરે પણ કોરોનાની અસરના કારણે ઘરેલુ રોકાણ પર પણ અસર કરશે.વિશ્વ બેન્કના કહેવા પ્રમાણે 2021-22માં કોરોનાનો પ્રભાવ સમાપ્ત થશે તો ભારતની ઈકોનોમી પાંચ ટકાનો ગ્રોથ રેટ હાંસિલ કરી શકશે. તેમાં પણ સરકારે નાણાકીય મદદ કરવી પડશે. ભારતનો લૂકઆઉટ સારો નથી દેખાઈ રહ્યો. જો લોકડાઉન લાંબુ ચાલ્યુ તો આર્થિક પરિણામ વિશ્વ બેન્કના અનુમાન કરતા પણ વધારે ખરાબ આવશે.
વિશ્વ બેન્કના મુખ્ય ઈકોનોમિસ્ટ હૈસ ટિમરના મતે ભારતે પહેલા તો કોરોનાને ફેલાતો અટકાવવો પડશે. ખાસ કરીને સ્થાનિક સ્તરે રોજગારી મળે તેવા કાર્યક્રમો શરુ કરવા પડશે.