આજે ભારતમાં મોબાઈલ નેટવર્ક અન્ય કોઈપણ દેશ કરતાં સારું કે તેના જેવું છેઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન
એજન્સી > નવી દિલ્હી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભારતમાં મોબાઈલ નેટવર્ક વિશ્વમાં સારામાં સારું છે અને દેશને હવે ‘પ્રીમિયર ડિજિટલ સોસાયટી’ બનવાનો અવસર મળ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત આગામી દાયકામાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન ધરાવતું હશે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા સાથે ફાયરસાઈડ ચેટમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે દેશમાં મોબાઈલ નેટવર્ક અગાઉ ક્યારેય ન હતું એટલું ઝડપી કામ કરી રહ્યું છે અને તેને કારણે દેશમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ‘હું સરળતાથી કહી શકું છે કે આજે ભારતમાં મોબાઈલ નેટવર્ક વિશ્વના અન્ય કોઈપણ દેશ જેટલું સારું કે તેના કરતાં પણ વધારે સારું છે. હવે ભારત માટે વિશ્વમાં પ્રીમિયર ડિજિટલ સોસયટી બનવા માટેનો અવસર ઊભો થયો છે.’ વૃદ્ધિ અને આગેકૂચ માટે ભારત પાસે તમામ સંસાધનો છે.
તેમણે કહ્યું હતું કે ‘આપણે વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન ધરાવતા હોઈશું તે અંગે મારા મનમાં કોઈ જ શંકા નથી. તે 5 વર્ષમાં બનશે કે 10 વર્ષમાં તે જ સવાલ છે, પરંતુ તે બનશે તે ચોક્કસ છે.’ તેમણે આ સાથે જ સવાલ કર્યા હતા કે જ્યારે આપણે ટોચના ત્રણ અર્થતંત્રમાં હોઈશું ત્યારે શું આપણે ટેક્નોલોજીકલી સૌથી સક્ષમ સોસાયટી હોઈશું? ટેક્નોલોજીના તમામ ટૂલ્સથી આપણો વિકાસ થયો હશે? તમામ ટેક્નોલોજીના ઉપયોગમાં આપણે નિષ્ણાત બની ગયા હોઈશું?ઉલ્લેખનીય છે કે આઈએમએફે ગયા વર્ષે ભારતને વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ગણાવ્યું હતું. નોમિનલ જીડીપી મુજબના રેન્કિંગમાં ભારતે ફ્રાન્સ અને બ્રિટનને પાછળ છોડી દીધું હતું. ભારતનો જીડીપી ગ્રોથ વિશ્વમાં છેલ્લાં એક દાયકામાં સૌથી વધારે રહ્યો છે અને સરેરાશ 6-7 ટકા વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો છે.
મુકેશ અંબાણીએક કહ્યું હતું કે સત્યા નાડેલા માઈક્રોસોફ્ટ કંપનીમાં 1992માં જોડાયા ત્યારે ભારતીય અર્થતંત્રનું કદ 300 અબજ ડોલરનું હતું. આજે ભારત 3 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બની ગયું છે. અને મૂળભૂત રીતે આ સમગ્ર પ્રગતિ એક રીતે ટેક્નોલોજીના પીઠબળથી જ શક્ય બની છે. શરૂઆતના દિવસોમાં ટીસીએસ અને ઈન્ફોસીસે ટેક્નોલોજી આગળ ધપાવી જેને કારણે ફાઈનાન્શિયલ અને આર્થિક સુધારા શક્ય બન્યા હતા. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને ડિજિટલ ઈન્ડિયાનું વિઝન આપ્યું અને સુપરચાર્જ કરી દીધા. જિયો લોન્ચ કરીને આ ડિજિટલ ઈન્ડિયામાં મેં નાનકડી ભૂમિકા ભજવી છે.’ તેમણે કહ્યું કે 2016માં જિયો લોન્ચ થયું તે પહેલાં દેશમાં સરેરાશ ઈન્ટરનેટ એક્સેસ સ્પીડ 256 કેબીપીએસ હતી અને જિયો આવ્યા પછીથી હવે દરેક ગામમાં મોબાઈલ ડેટા પર 21 એમબીપીએસની સ્પીડ છે. જિયો પહેલાં ડેટાનો સરેરાશ ચાર્જ 1 GB દીઠ ~300-500 હતો. જિયો આવ્યા પછી 1 GBનો ચાર્જ ~12-14 થઈ ગયો છે. તેમણે કહ્યું કે 38 કરોડ કસ્ટમર્સ જિયો પ્લેટફોર્મ પર છેલ્લાં ત્રણ વર્ષમાં 4G ટેક્નોલોજીમાં માઈગ્રેટ થયા છે. તેમણે ઉમેર્યું હતું કે ‘આપણે યુપીઆઈ રજૂ કર્યું અને ડિસેમ્બરમાં ડિજિટાઈઝેશન કર્યું. 100 ટકા ગ્રોથ થઈ ગયો અને કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ~2 લાખ કરોડ થઈ ગયું. આપણે ખૂબ ઝડપી વૃદ્ધિ કરી રહ્યા છીએ અને હજી તો શરૂઆત છે.’ તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં ગેમિંગ બિગ ગેમચેન્જર બની રહેશે કારણ કે તે મ્યુઝિક, મૂવી અને ટીવી શો એ ત્રણેયના સંયુક્ત ગ્રોથ કરતાં પણ આગળ વધી જશે. નવા ભારતની નવી પેઢી તદ્દન અલગ હશે તેમ તેમણે ઉમેર્યું હતું.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત અંગે તેમણે કહ્યું કે 2020માં ટ્રમ્પ જે ભારત જોશે તે પ્રેસિડેન્ટ કાર્ટર, બિલ ક્લિન્ટન કે બરાક ઓબામાએ પણ નહીં જોયું હોય તેવું ભારત છે.