પેરાસિટામોલ, વિટામીન B1, વિટામીન B12 સહિતના API-ફોર્મ્યૂલેશન્સની નિકાસ માટે લાઈસન્સની જરૂર
એજન્સી > નવી દિલ્હી
સરકારે ચીનમાં કોરોના વાયરસને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પેરાસીટામોલ જેવી દવા અને અન્ય 25 ફાર્મા ઈનગ્રેડિયન્ટ્સ અને ડ્રગ્સની નિકાસ પર અંકુશ મૂકી દીધા છે. આ ઉપરાંત ઓવર-ધ-કાઉન્ટર પેઈનકિલર તથા તાવ ઘટાડતી પેરાસીટામોલ, મેટ્રોનિડેઝોલ સહિતની કોમન એન્ટિબાયોટિક્સ, અને બેક્ટેરિયલ તથા અન્ય ઈન્ફેક્શનની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વિટામીન B1 અને વિટામીન B12 ઈનગ્રેડિયન્ટ્સ પર પણ અંકુશ મૂકી દેવાયો છે. આ નિર્ણયથી આ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગ્રેડિયન્ટ્સ (API) અને ફોર્મ્યૂલેશન્સની નિકાસ કરવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) પાસેથી લાઈસન્સ લેવું જરૂરી બની ગયું છે. અત્યાર સુધી આ પ્રોડક્ટ્સની મુક્ત રીતે નિકાસ થતી હતી.
વિશ્વમાં સૌથી વધુ જેનરિક દવાનું ઉત્પાદન ભારતમાં થાય છે. ભારત વિશ્વમાં 20 ટકા જેનરિક ડ્રગ સપ્લાય કરે છે, પરંતુ તે બનાવવા માટે જરૂરી કેમિકલ કમ્પોનન્ટ્સની 70 ટકા જેવી આયાત ચીનમાંથી કરે છે. દર વર્ષે ભારતની API આયાત 3.5 અબજ ડોલર આસપાસની થાય છે અને તે પૈકી 70 ટકા આયાત(2.5 અબજ ડોલર) ચીનમાંથી થાય છે. ડીજીએફટીએ એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે ચોક્કસ API અને તેમાંથી બનતા ફોર્મ્યૂલેશન્સ પર તાત્કાલિક અસરથી અને નવો આદેશ ન થાય ત્યાં સુધી અંકુશ મૂકી દેવાયા છે. API એ દવાઓ બનાવવા માટેનું રો મટીરિયલ છે.
ભારત ચીનમાંથી મોટાપાયે આયાત પર નિર્ભર છે તેમ છતાં તે મર્યાદિત પ્રમાણમાં ફાર્મા ઈનગ્રેડિયન્ટ્સની નિકાસ પણ કરે છે. દર વર્ષે ભારતમાંથી 22.5 કરોડ ડોલરના મૂલ્યના APIની નિકાસ થાય છે. તેમના પર હાલમાં નિયંત્રણ એટલા માટે જરૂરી છે કારણ કે દેશમાં જ તેની માંગમાં વધારો થવાની શક્યતા છે. કારણ કે ચીનમાંથી તેની આયાત પર હાલ કોરોના વાયરસને કારણે અસર પડવાની શક્યતા છે. જે API-ફોર્મ્યૂલેશન્સ પર અંકુશ મૂકાયા છે તેમાં પેરાસીટામોલ, વિટામીન B1, B6, B12, ઉપરાંત ટાઈનિડેઝોલ, મેટ્રોનિડેઝોલ, એસિક્લોવિર, પ્રોજેસ્ટેરોન, ક્લોરેમ્ફેનિકોલ, ઓર્નિડેઝોલ, તથા ક્લોરેમ્ફેનિકોલ, ક્લિન્ડેમાઈસીન સોલ્ટ, નિયોમાઈસીન, પેરાસિટામોલ, વગેરેમાંથી બનતા ફોર્મ્યૂલેશન્સ.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા હતા. આ પૈકી એક દર્દીના સંપર્કમાં અન્ય છ લોકો આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. અત્યાર સુધીમાં આ રોગથી 3000થી વધુ લોકોનાં મોત થયા છે અને 80,000થી વધુ કેસ નોંધાયા છે. કોરોનાનો કેર વધતા ગયા મહિને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ(DoP)એ DGFTને કહ્યું હતું કે તે 12 API અને ફોર્મ્યૂલેશન્સની નિકાસ પર અંકુશના આદેશ કરે. કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર મંત્રાલય હેઠળના DoP દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ ચીનમાંથી આયાત થતા દવાઓ માટે રો મટીરિયલના સપ્લાયની સમીક્ષા કરી હતી અને તેણે અંકુશની ભલામણ કરી હતી.